ગ્રેસ લો કોલેજ ખાતે માનવ અધિકાર કાયદા અંગે જનજાગૃતિ કાર્યક્રમ

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા ગ્રેસ લો કોલેજ ખાતે માનવ અધિકાર કાયદા અંગે જનજાગૃતિ કાર્યક્રમ

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા વિભાગની Extension Activity તથા સમાજમાં માનવ અધિકારો અને કાયદાકીય જાગૃતિના પ્રસાર-પ્રચારના હેતુથી તા. ૨૪/૦૭/૨૦૨૫ના રોજ ગ્રેસ લો કોલેજ, રાજકોટ ખાતે એલએલ.એમ. અભ્યાસક્રમના ભાગરૂપે માનવ અધિકાર કાયદા અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓને "માનવ અધિકારો સંબંધિત કાયદાકીય જોગવાઈઓ" વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્યાખ્યાનમાં માનવ અધિકારોની સંકલ્પના, ભારતીય બંધારણ દ્વારા પ્રદાન કરવામાં આવેલા મૂળભૂત અધિકારો, માનવ અધિકારોના સંરક્ષણ માટે અમલમાં રહેલા કાયદાઓ, રાષ્ટ્રીય અને રાજ્ય માનવ અધિકાર આયોગોની ભૂમિકા તેમજ માનવ ગૌરવ અને સામાજિક ન્યાયના વિવિધ પાસાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત, કાયદાકીય જાગૃતિના મહત્વ અને માનવ અધિકારોના વ્યવહારિક અમલીકરણ અંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદાત્મક ચર્ચા પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વડા ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયા, અધ્યાપક ડૉ. સાગર અમીપરા ,સંશોધન વિદ્યાર્થિની સોનલબેન તાવીયાડ તથા ગ્રેસ લો કોલેજના ટ્રસ્ટીશ્રી રોનક વેકરીયા, અધ્યાપક ડૉ. ચિરાગ ચૌહાણ, શ્રી જયેશ વ્યાસ, ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને માનવ અધિકારોના રક્ષણ અને કાયદાકીય જાગૃતિના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમમાં ગ્રેસ લો કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ કાયદાકીય મુદ્દાઓ અંગે સક્રિય ચર્ચા કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમના સફળ આયોજનમાં એલએલ.એમ.ની વિદ્યાર્થીનીઓ દ્વારા નોંધપાત્ર આયોજનાત્મક યોગદાન આપવામાં આવ્યું હતું.

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા વિદ્યાર્થીઓ અને સમાજમાં માનવ અધિકારો પ્રત્યે જાગૃતિ, કાયદાકીય સાક્ષરતા તથા બંધારણીય મૂલ્યોના પ્રસાર-પ્રચાર માટે સમયાંતરે આવા વિસ્તરણલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.


Published by: Department of Human Rights and International Humanitarian Laws

24-07-2025